- કલેકટર અને એસપીએ ખંઢેરી સ્ટેડિયમની મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું
- પાર્કિંગ, સિક્યુરીટી અને વીજ પુરવઠા અંગે આપ્યા સૂચનો
- રાજકોટમાં આજે સાંજે યોજાશે ભારત-દક્ષિણ આફ્રિકાનો મેચ
રાજકોટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 સિરીઝની ચોથી મેચ યોજવા જનાર છે. જેને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન, પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગર હાઈવેને આજે બપોર બાદથી સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટમાં યોજાનાર ઇન્ટરનેશનલ મેચને લઇ રાજકોટ સહોત સમગ્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ મય બની ગયું છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પરમદિવસે જ રાજકોટ ખાતે આવી પહોંચી હતી, ત્યારે બંને ટીમોએ ગઇકાલે મેચ જીતવા માટે નેટ પ્રેક્ટિસ કરી હતી. આજની મેચને લઇ જિલ્લા તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના કલેકટર અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા ખંઢેરી સ્ટેડિયમની મુલાકાત કરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડીયમ ખાતે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવાનો છે ત્યારે સ્ટેડિયમ અને તેના આસપાસના વિસ્તારની પરિસ્થિતિના લેખાજોખા કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને એસ.પી. જયપાલસિંહ રાઠોડે રૂબરૂ મુલાકાત કરી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ આ બંને અધિકારીઓએ ખંઢેરી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં વાહનોના પાર્કિંગ માટેની શું વ્યવસ્થા છે તેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર પોલીસ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય તેની ચર્ચા કરી હતી. રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેચ હોવાના કારણે વીજળી પુરવઠો સતત મળતો રહે તેવી સૂચના પીજીવીસીએલના સ્થાનિક અધિકારીઓને આપી હતી. એન્ટ્રી અને એક્ઝિટના ગેટની વ્યવસ્થા પણ આ બંને અધિકારીઓએ નિહાળી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.