ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક ગુજરાતીમાં અનેરી ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલ બેલેટ પેપરની મત ગણતરી શરુ થઈ છે. જેમાં ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયા 3723 મતથી, રાજકોટ પૂર્વની બેઠક પર ઉદય કાનગડ 6647 મતથી, ગોંડલ બેઠક પર ગીતાબા 6200 મતથી, રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા 2480 મતથી અને ગ્રામ્ય બેઠક પર 4073 મતથી ભાનુબેન બાબરીયા અને રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ડો. દર્શિતા શાહ 2999 મતથી આગળ ચાલી રહ્યા છે.હાલ ધોરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયા 1976 મતથી આગળ છે. જયારે આમ આદમી પાર્ટી બીજા નંબર પર જ્યારે કે ત્રીજા નંબર પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા છે.
હું ચોક્કસ જીતી જઈશ: બાવળીયા
જસદણ બેઠક પર ભાજપના કુંવરજીભાઈ બાવળીયા 2079 મતથી આગળ છે. આ મુદ્દે કુંવરજી બાવળીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું ચોક્કસ જીતી જઈશ. આ ઉપરાંત વાઇરલ ઓડિયો કલીપ મામલે કહ્યું હતું કે, ઓડિયોથી થોડી અસર તો થશે. પરંતુ હું જીતીશ તો મારા વિસ્તારમાં વિકાસના કામો કરીશ.આ ઉપરાંત ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મત ગણતરી મથકે પહોંચ્યા હતા અને તેમણે 8થી 10 હજારના મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જસદણ બેઠકની વાત કરીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલને 2326 મતો મળ્યા છે, જ્યારે તેજસભાઈ ગાજીપરાને 2011, શામજીભાઈ ડાંગરને 41, દેવરાજભાઈ મકવાણાને 19 અને રમાબેન ગોરાસ્વાને 49 મતો મળ્યા છે. પ્રથમ રાઉન્ડના અંતે કુલ 8022 માન્ય મતો છે અને નોટાની સંખ્યા 121 છે, તેમ 72 જસદણ વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર રાજેશ આલની યાદીમાં જણાવ્યું છે.
નવાજૂનીના એંધાણ
પરિણામના બે દિવસ પહેલા જ જસદણમાં કુંવરજી બાવળીયાને હરાવવા ભાજપના જ નેતાઓ કારમી હાર આપવાની આયોજન કરતા હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે આજે સૌ કોઈની નજર કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા,ઇન્દ્રનીલ રાજ્યગુરુ,લલિત વસોયા, ઉદય કાનગડ, રમેશ ટીલાળા અને ખાસ કરીને ગોંડલ બેઠક પર રહેશે. કારણ કે જ્યારે મતદાનના દિવસે ગોંડલ અને રીબડા જૂથની ગરમાગરમીને કારણે કોણ કોને નડશે તે જોવું રહ્યું અને નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
14-14 ટેબલ પર મતગણતરી થઈ રહી છે
આજે જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોના 2264 મતદાન બુથોના ઈવીએમ ખુલતા બેઠકવાઈઝ 14-14 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે. જિલ્લાની આઠેય બેઠકોના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ મતગણતરી થશે. આજે રાજકોટ પૂર્વ (68) બેઠક પર 20 રાઉન્ડમાં, રાજકોટ પશ્ચિમ (69) બેઠક પર 22 રાઉન્ડમાં, રાજકોટ દક્ષિણ (70) બેઠક પર 17 રાઉન્ડમાં, રાજકોટ ગ્રામ્ય (71) બેઠક પર 28 રાઉન્ડમાં , જસદણ બેઠક (72) પર 19 રાઉન્ડમાં , ગોંડલ બેઠક પર (73) 17 રાઉન્ડમાં , જેતપુર બેઠક (74) પર 22 રાઉન્ડમાં અને ધોરાજી બેઠક (75) પર 20 રાઉન્ડમાં મતગણતરી થશે
કસોકસની ચૂંટણીની લડાઈ જામી
તેની સાથોસાથ ગોંડલની બેઠક પર જિલ્લામાં સૌથી ઓછા ચાર ઉમેદવારોએ ચૂંટણી લડી હોય આ બેઠકના રુઝાન અને પરિણામ પણ રાજકોટ પશ્ચિમની બેઠક સાથે જ અન્ય બેઠકોની સાપેક્ષમાં જાહેર થશે. જિલ્લાની 8 બેઠકો ઉપર કુલ 65 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો છે. જેમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કસોકસની ચૂંટણીની લડાઈ જામી હતી.
સસ્પેન્સનો અંત આવશે
રાજકોટ પૂર્વમાં આઠ, પશ્ચિમની બેઠક પર 13, રાજકોટ દક્ષિણમાં 8, રાજકોટ ગ્રામ્યમાં 11, જસદણની બેઠક પર 6, ગોંડલની બેઠક પર 4, જેતપુરની બેઠક પર 8 અને ધોરાજીની બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો, આજે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરાતા સસ્પેન્સનો અંત આવશે.
રાજકોટની 8 બેઠક પર 2305601 મતદારો
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના આઠેય વિધાસનભા વિસ્તારોમાં મતદારોની સંખ્યા 23,05,601 નોંધાઇ છે. જેમાં 11,96,011 પુરૂષ મતદારો તથા 11,09,556 સ્ત્રી મતદારો છે. થર્ડ જેન્ડર શ્રેણીમાં 34 મતદાતા છે. રાજકોટ જિલ્લામાં 80 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરીકોની સંખ્યા 52,238 જેટલી છે તેમજ દિવ્યાંગ મતદારો 15,633 જેટલા છે.
રાજકોટ શહેરની 4 બેઠક પર મતદારોની સંખ્યા
વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઈએ તો રાજકોટ પૂર્વ બેઠકમાં 1,56,315 પુરૂષ, 1,40,889 સ્ત્રી મતદારો જ્યારે 2 થર્ડ જેન્ડર મળીને કુલ 2,97,206 મતદારો છે. રાજકોટ પશ્ચિમ બેઠકમાં 1,79,559 પુરુષ મતદાર, 1,74,382 મહિલા મતદાર, 6 થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ 3,53,947 મતદાર છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં 1,32,933 પુરુષ મતદાર, 1,25,736 સ્ત્રી મતદાર, 4 થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ 2,58,673 મતદાર છે. રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા વિસ્તારમાં 1,92,763 પુરુષ મતદાર, 1,74,186 સ્ત્રી મતદાર તથા 7 થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ 3,66,956 મતદાર છે.
ગ્રામ્યની 4 બેઠક પર મતદારોની સંખ્યા
જસદણ બેઠકમાં 1,34,011 પુરુષ, 1,22,277 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,56,289 મતદાર છે. ગોંડલ બેઠકમાં 1,18,218 પુરુષ, 1,10,212 સ્ત્રી તથા 8 થર્ડ જેન્ડર મળીને કુલ 2,28,438 મતદારો છે. જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં 1,43,504 પુરુષ, 1,32,108 સ્ત્રી તથા 5 થર્ડ જેન્ડર મળીને કુલ 2,75,617 મતદાર છે. ધોરાજી વિધાનસભા વિસ્તારમાં 1,38,708 પુરુષ, 1,29,766 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,68,475 મતદાર છે. રાજકોટ જિલ્લામાં 75,753 જેટલા નવા મતદારો નોંધાયા છે.
ગોંડલ-રીબડા જૂથ આમને સામને
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહે સભા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એકબીજાને ધમકી આપી હતી. બન્નેએ એકબીજાને ખુલી ચેલેન્જ આપી હતી. આથી ગોંડલ વિધાનસભાની ચૂંટણી લોહીયાળ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. બન્ને બળુકા એકબીજાને જાહેરમાં તુકારા આપી પડકાર ફેંકી રહ્યા હોય જેથી ચૂંટણી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નાના-મોટા છમકલાંઓને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતોઘ પરંતુ આગામી ગુરુવારના મતગણતરીનો દિવસ હોય તંત્ર દ્વારા શહેર તાલુકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને પરિણામો જાહેર થયા બાદ પણ કોઇ અનિચ્છનીય ઘટના ન બને.
મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે
ગોંડલના પ્રાંત અધિકારી કમ ચૂંટણી અધિકારી કે.વી.બાટીએ જણાવ્યું હતું કે, ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કણકોટ ખાતે ગોંડલ વિધાનસભા બેઠકની મતગણતરી યોજાશે, જેમાં 17 રાઉન્ડ રહેશે અને એક રાઉન્ડમા 14 સીયુની ગણતરી થશે. 17મા અને છેલ્લા રાઉન્ડમાં 12 સીયુ ની ગણતરી કરવામાં આવશે. મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે, ગોંડલ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ તેમ જ એક અન્ય ઉમેદવાર સહિત ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. નાટોમાં કેટલા મત પડ્યા તેની પણ ગણતરી કરવામાં આવશે. પરિણામો જાહેર થયા બાદ બે બળિયા જૂથ ગણાતા ગોંડલ અને રીબડા સહિતના શહેર, તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું અંતમાં જણાવવામાં આવ્યું હતું.
રાજકોટની બે બેઠક પર ભાજપ માટે જીતવું કઠિન
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે, પરંતુ એના પર આયાતીનું લેબલ લાગેલું હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન રહેશે. રમેશ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી છે. તેઓ મોટાભાગના વર્ગમાં સારીએવી નામના ધરાવે છે, પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના ઉજળિયાત વર્ગનો ખોફ વહોરવો પડે એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે.
રાજકોટ પૂર્વ બેઠક પર રસાકસીભર્યો જંગ ખેલાશે
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપમાંથી ઓબીસીના ઉમેદવાર તરીકે ઉદય કાનગડ મેદાને છે. કાનગડ અત્યારસુધીમાં મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે. ત્યારબાદ હવે તેમને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી છે, ત્યારે ઉજળિયાતોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે. આ બેઠક પર કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ઉતાર્યા છે. તેમણે 2012ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર ચહેરો રાહુલ ભૂવાને ઉતાર્યા છે. તેઓ પણ આ બેઠક પર સારી એવી વગ ધરાવે છે. આ કારણે રાજકોટ પૂર્વ બેઠક પણ ભાજપ માટે જોખમમાં હોવાનું માનવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો
વિધાનસભા 2017ની ચૂંટણી સમયે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેના કારણે આ વખતે કોઈ કાચું કપાઈ ન જાય તે માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના નેતાઓ સભાઓ ગજવી સૌરાષ્ટ્રમાં પરિવર્તન લાવી બેઠકો અંકે કરવા મહેનત કરી રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી રાજકોટ જિલ્લામાં 4-4 સભા કરી ચુક્યા છે ત્યારે રાજકોટ ભાજપનો ગઢ બનાવવા અને જાળવી રાખવા માટે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયું છે. વર્ષ 2017 માં પાટીદાર અનામત આંદોલનની અસર રાજકોટમાં ભલે જોવા મળી ન હતી પરંતુ ધોરાજી અને જસદણ બે બેઠક જરૂર ગુમાવાનો વારો ભાજપને આવ્યો હતો.