• રાજ્ય સરકારની યોજનાઓ માટે સોગંદનામું જરૂરી
• મહેસૂલ મંત્રીએ વડોદરામાં આપ્યું નિવેદન
• કલેક્ટરને પણ આ મામલે કાર્યવાહી કરવા સૂચના
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં પ્રવશે છે અને વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહર્ત કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રીએ પણ એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી નાગરિકોને સરકારી ઓફિસોના ધક્કા બંધ થઈ જશે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામું જરૂરી નથી, યોજનાને લગતી કોઈપણ કામગીરી સેલ્ફ ડેક્લેરેશનથી થઈ શકશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા.
જોકે પહેલા કોઈપણ સરકારી યોજના માટે સોગંદનામું કરાવવું પડતું હતું. અને સરકારી યોજનાની કામગીરી માટે સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે સરકારના આ પ્રકારના નિર્ણય બાદ ચૂકવવાના રહેશે નહીં.
આ સાથે જ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ આપતા જણાવ્યું કે, આગામી 15 દિવસમાં જ આ બાબતે કાર્યવાહી કરવા માટેની રાજ્યભરના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને આ સુવિધા નાગરિકો માટે ગણતરીના દિવસમાં જ અમલી બની જશે. ત્યારે હવે નાગરિકોનો સમયની સાથે પૈસાની પણ બચત થશે. જોકે આ યોજના હવે ટૂંક સમયમાં જ અમલમાં આવનાર છે, તો હજુ લોકોએ થોડો સમય આ યોજનાની રાહ જોવી પડશે.