છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ આજે 5મી સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકાદ સ્થળે ભારે વરસાદ પણ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 8 અને 9 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગામી આપવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે.
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ રહેશે. અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ સારો વરસાદ પણ પડી શકે છે. આગામી 8-9 તારીખથી વરસાદની પ્રવૃત્તિ વધશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સાતમી સપ્ટેમ્બરના રોજ એક સર્ક્યુલેશન સક્રિય થશે, જે આઠમી સપ્ટેમ્બરના રોજ લૉ પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. આ કારણે ગુજરાતમાં વરસાદ વધવાની સંભાવના છે. આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં તાપમાન વધશે. સતત વરસાદ પડ્યા બાદ વાદળો હટી જતાં તાપમાનમાં થોડો વધારો થશે. હાલ અમદાવાદ શહેરમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ છે, જે વધીને 36-37 ડિગ્રી થઈ શકે છે. હાલ વાવાઝોડાનું કોઈ એલર્ટ નથી.