ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેને લઈને તમામ પક્ષના કેન્દ્રના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવશે અને ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. રાહુલ ગાંધી નવેમ્બર મહિનાની 10 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે વડોદરામાં રોડ શોનું આયોજન છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં પણ રોડ શો અને જાહેર સભા કરે તેવી શક્યતા છે.
હાલ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. તેઓ આજે શનિવારે તેલંગાણામાં આ યાત્રા કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ યાત્રા કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓએ ભાગ લઈ રહ્યા છે. જેના લઈને આજે કોંગ્રેસ નેતા કનૈયા કુમાર પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી ફ્રાન્સિસ્કો સરડીન્હા સોમવારે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ ચાલી રહેલી ભારત જોડો યાત્રાને રોકવી જોઈએ અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસ પાર્ટીને લઈને અનેક સમાચારો સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, AICCના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસે પણ આજે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. આ સાથે જ, ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત કરી ભાજપને ટાટા બાય બાય કરી દીધું છે. આ બાદ, તેઓ કોંગ્રેસમાં જોડાઈ તેવી અટકળો તેજ થઈ છે.