ગુજરાત ચૂંટણી 2022: આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે . આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સતત છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર ગુજરાતમાં મોટી જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા. ગઈ કાલે એટલે કે 1 ડિસેમ્બરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી અને પ્રખ્યાત ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે માણસા, વિજાપુર અને વિસનગરમાં વિશાળ રોડ શો કર્યો હતો. તમામ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છેઃ ભગવંત માન
પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો દરમિયાન લોકોને સંબોધતા કહ્યું કે, આ રોડ શો આસપાસના જેટલા પણ ઘરો છે, એ ઘરોની બારીઓથી, છત અને બાલ્કનીથી લોકો અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. એનો અર્થ સ્પષ્ટ કે ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છે. દેશનાં અને ગુજરાતની જનતા પાસે સતત બીજા લોકો ‘અચ્છે દિન’ નું વચન આપી રહ્યા હતા, ‘અચ્છે દિન’ ની તો ખબર નથી, પરંતુ ગુજરાતમાં 8મી ડિસેમ્બરથી ‘સચ્ચે દિન’ ચોક્કસ આવવાના છે.
ગુજરાતમાં 2015 પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન
ગુજરાતમાં 2015 પછી એવું કોઈ પેપર જ નથી કે જે ફૂટ્યું ન હોય. આનાથી યુવાનોના દિલ તૂટી જાય છે. ગુજરાતનો છોકરો મને મળ્યો હતો, તે મારી સામે રડવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, તે અડધી રાત સુધી અભ્યાસ કરતો હતો અને સવારે 4-5 વાગ્યે જાગી જતો હતો, પરંતુ પેપર ફુટી ગયું. એ છોકરાએ કહ્યું કે તેને લાગતુ હતુ કે પુસ્તક તેનું જીવન બદલી નાખશે. પરંતુ દિવસ-રાત અભ્યાસ કર્યા બાદ પણ પેપર ફૂટવાના કારણે તે ખૂબ જ નિરાશ થઇ ગયો હતો. આજે ગુજરાતમાં દરેક વિભાગ આંદોલન કરી રહ્યો છે.
અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ નથી કારણ કે અહીંના લોકોને કાયમી નોકરી પર રાખતા જ નથી. જ્યાં જુઓ ત્યાં સરકારી કચેરીઓમાં લોકોને કોન્ટ્રાક્ટમાં કામ આપવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસને પણ કોન્ટ્રાક્ટ પર કામ આપવામાં આવે છે. તેમને કોઈપણ સમયે કામમાંથી નિકાળી દે છે.
8મી ડિસેમ્બરે એવું પરિણામ આવવું જોઈએ, જેનાથી સૌને મજા આવી જાય: હરભજન સિંહ
દેશના પ્રસિદ્ધ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે “કેમ છો?” કહીને પોતાની વાતની શરૂઆત કરતા કહ્યું કે, 8 ડિસેમ્બરે એવું પરિણામ આવવું જોઈએ, જેનાથી સૌને મજા આવી જાય. જ્યારે ગુજરાતમાં લોકોને પૂછીએ છીએ કે, તેમને શું જોઇએ છે તો લોકો કહે છે કે તેમને પરિવર્તન જોઈએ છે, તેમને વીજળી મફત જોઈએ છે. ગુજરાતના લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું કેમકે, જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે તેમણે મને ભરપૂર પ્રેમ આપ્યો. 8 ડિસેમ્બરને તમે યાદ રાખો અને હું આશા રાખું છું કે હું અને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની સેવામાં ઉપયોગી થઈ શકીશું.