રાજ્યમાં ગમગીની ફેલાવનારા મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલે 134 લોકોના ભોગ લીધા છે. આ સાથે હજી 17 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મચ્છુની ગોજારી ઘટનાનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી આજે બપોર બાદ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે ગાંધીનગરના રાજભવનમાં મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે, અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ મળે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાના કેસમાં સોમવારે ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. અંગ્રેજોના જમાનામાં બનેલા આ પુલની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને મળ્યો હતો.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) અશોક યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આ નવ લોકોમાંથી બે મેનેજર છે, જ્યારે બે બ્રિજ પાસે ટિકિટ બુકિંગ ક્લાર્ક છે. અમે સંપૂર્ણ તપાસ કરીશું અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.” તેમણે કહ્યું કે અન્ય પાંચ આરોપીઓમાં ઓરેવા જૂથ દ્વારા કોન્ટ્રાક્ટમાં કામે રાખવામાં આવનાર બે રિપેર કોન્ટ્રાક્ટર અને બ્રિજ પર સુરક્ષા કર્મચારીઓ તરીકે કામ કરતા ત્રણ લોકોનો સમાવેશ થાય છે.