રાજકોટના લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં
સ્ટોલ માટે ફોર્મ ભરવાને કાલે છેલ્લો દિવસ
સ્ટોલ માટે કરવો પડશે ડ્રો
જન્માષ્ટમીના દિવસે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ મેળા તરીકે જાણીતા રાજકોટના લોકમેળાને લઈને સ્થાનિ્કોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં બે વર્ષના લાંબાગાળા સમય બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતીગળ લોકમેળાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.આ લોકમેળામાં લાખોની સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળો માણવા માટે ઉમટી પડતાં હોવાથી વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓમાં કોઈ કચાશ ન રહે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
મેળામાં સ્ટોલ માટે પણ વેપારીઓમાં ગજબની આતુરતા જોવા મળે છે. અને તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દર વર્ષે સ્ટોલ માટે ફોર્મ બહાર પાડે છે.આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ સ્ટોલના ફોર્મ લેવા માટે વેપારીઆનો ભારે ધસારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જૂની કલેક્ટર કચેરીમાં પ્રાંત-1 ઓફીસ તેમજ ઇન્ડીયન બેંક (શાસ્ત્રી મેદાન) ખાતેથી 450થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે. જો કે આ વખતે સ્ટોલ માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાથી લકી ડ્રો કરવો પડે તેવી સ્થિતી સર્જાઈ છે.
સિલેક્ટ થયેલા નામ આપનાર માટે તંત્રએ જાહેર કર્યુ ઈનામ
તે ઉપરાંત રાજકોટના લોકમેળાને વધુ લોકાભિમુખ બનાવવા માટે સ્થાનિક તંત્રએ લોકમેળાના નામ માટે ખાસ ઈનામ જાહેર કર્યું છે.અને લોકો પાસેથી નામ મંગાવવામાં આવ્યા છે, તેમાં પસંદ થયેલી વ્યક્તિને ઈનામ આપવામાં આવશે.
17થી 5 દિવસ ચાલશે લોકમેળો
તારીખ 17થી 21 ઓગસ્ટ સુધી એમ કુલ 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. એ માટે 12 સમિતિની રચના કરવામાં આવી છે.