દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ
વીજપોલ તૂટ્યા, ઘૂંટણસમા પાણી ભરાયા
નવસારી, ગણદેવી, ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 26 જૂને વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે આજે સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં બારડોલી, પલસાણા, ઉમરપાડા, મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.
આજે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે રોડ અને રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. ત્યાં જ નવસારી, ગણદેવી, ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામાં બપોર બાદ ભારે પવન ફૂંકાતા ખેરગામ ચાર રસ્તા ખાતે કુંભારવાડા વિસ્તારમાં વીજ પોલ અને ઝાડ પડી ગયા છે. વીજ પોલ અને ઝાડ મુખ્ય રસ્તા પર પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. ત્યાં જમીનદોસ્ત થયેલા વીજ પોલના સમારકામ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.
બીજી તરફ ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. જ્યાં માત્ર 10 મિનિટમાં જ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે જેમાં અનેક ઘરોના પતરા ઉડ્યા છે, ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થઇ ગચા છે તો વૃક્ષો ધરાસાય થયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હાલમાં સુરતના કીમ વિસ્તારમાં વીજ પુરવઠો ડુલ થઇ ગયો છે.
આજે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.