ધોરાજીના સુપેડી ગામે આંબેડકર નગરની ઘટના
પોલીસ રેડ દરમિયાન ભાગવા જતાં આધેડનું મોત
મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર
રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના આંબેડકર નગરમાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે દારૂની મહેફિલ થતી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન ભાગવા જતાં કાન્તિલાલ સોલંકી નામના આધેડનું અવસાન થયું છે. કાન્તિલાલનું હ્રદય બેસી જવાથી અવસાન થયું છે, ત્યારે પરિવારે પોલીસ પર માર મારવાના આક્ષેપ કર્યા છે. પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરી પોલીસના માર મારવાથી અવસાન થયાનો આક્ષેપ કર્યો છે.
દારૂ પીતા આધેડને પોલીસે પકડવા જતા આધેડનું મોત નિપજ્યું છે. આધેડને એટેક આવી જતા નીચે પડતાની સાથે માથામાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું મોત નિપજ્યું છે. તે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે તેઓના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે ઇન્ચાર્જ DYSP મહર્ષિ રાવલે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલાં જ એક પોલીસ રેડમાં સુપેડી ગામની સીમમાંથી જુગારીઓ ઝડપાયા હતા. આ સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે આ પંથકમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને પોલીસ એક્શન પણ લેવાઈ રહ્યાં છે. પરંતુ આધેડના અવસાન બાય પરિવારજનોએ લગાવેલો આક્ષેપ એટલો ગંભીર છે કે ફરી પોલીસની કામગીરી પર જ સવાલ ઊભો થઈ ગયો છે. આ મામલે હકીકત તો આવનાર સમયમાં વધારે તપાસ બાદ જ જાણવા મળશે અને ત્યાં સુધી આધેડના મોતનું રહસ્ય અજાણ્યું જ રહેશે.