PM મોદી માતા હીરાબાની તબિયત ગઇકાલે અચાનક લથડી હતી. તેમને સારવાર અર્થે અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે હીરાબાની તબિયત આજે ઘણીજ સારી છે અને ઝડપથી તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને તેમને એકાદ દિવસમાં રજા આપવામાં આવશે.
હીરાબાની તબિયત લથડતાં તેમને યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુએન હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે અને જરૂરી સૂચનો આપી રહ્યાં છે. હીરાબાની તબિયત લથડી હોવાની જાણ થતાંજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા યુએન હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમણે દોઢ કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને હીરાબાના સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી નિષ્ણાંત તબીબો પાસેથી મેળવી હતી.
હીરાબાની તબિયત બગડી હોવાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાના ખબર અંતર પૂછ્યા હતા. ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સવારથી હોસ્પિટલમાં ખડે પગે રહ્યાં હતા. ભાજપના પદાધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
સવારે હીરાબાને હોસ્પિટલ દાખલ કર્યા બાદ સૌ કોઇ ચિંતાગ્રસ્ત થયું હતું, જોકે બપોરે યુએન હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાની તબિયત સારી છે, બ્લડ રિપોર્ટ સહિતના અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા છે અને એ રિપોર્ટના આધારે બાની સારવાર કરવામાં આવી રહી છે.
બીજી તરફ પીએમ મોદીના વતન વડનગરમાં હીરાબાની તબિયત લથડી હોવાની જાણ થતાં વડનગરના હાટ્કેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અને યજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યા હતા. હીરાબાની તબિયત લથડી હોવાની જાણ થતાં અનેક રાજકીય આગેવાનોએ ટ્વીટ કરીને બાની તબિયતમાં ઝડપથી સુધારો આવે તેવી કામના કરી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, આપ નેતા ઇસુદાન ગઢવી સહિતનાએ ટ્વીટ કરી હતી.