• આવતીકાલે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે
• ચીખલીના ખુડવેલ ખાતે સભાને કરશે સંબોધન
• બોપલ ખાતે નવનિર્મિત ISRO ભવનનું પણ કરી શકે લોકાર્પણ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના ઢોલ વાગી રહ્યા છે. ત્યારે ગુજરાતનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકિય પક્ષો બરાબરનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રાવસમાં પણ મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે તેવા સંજોગો વચ્ચે આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે સવારે 9:30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે.આ મુલાકત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થશે. જેમાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત ૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને અંદાજીત ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવશે
આવતીકાલે શુક્રવારે ફરી પ્રધાનમંત્રી મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે 10 જૂનના રોજ સવારે 9:30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે ચીખલીના ખુડવેલ ગામે પહોંચશે અને સવારે 10.15 વાગ્યે પ્રધાનમંત્રી મોદી સભાસ્થળે પહોંચી સભાને સંબોધન કરશે. ત્યારબાદ 11:30 વાગ્યે પ્રધાનમંત્રી નિરાલી કેન્સર હોસ્પિટલની મુલાકાત કરશે. નવસારીમાં હેલ્થ કેર કોમ્પ્લેક્સ, નિરાલી મલ્ટી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાયા બાદ તેઓ સવા કલાક જેટલો સમય વીતાવે તેવું જાણવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના ચીખલી ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં પણ હાજરી આપશે.
આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે ૩.૪૫ કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe(ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન પણ કરી શકે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.તેમ જાણવા મળી રહ્યું છે.આ ઉપરાંત આગામી 18 જૂનના રોજ PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેમનો મધ્ય ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો છે. 18 જૂનના રોજ PM મોદી વડોદરાથી હેલિકોપ્ટર મારફતે પાવાગઢ જશે. જ્યાં પાવાગઢ ખાતે દર્શન કરી PM મોદી વડોદરા પરત ફરશે. જ્યાં વડોદરામાં મહિલા સંમેલનમાં હાજરી આપી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.