ગોંડલના રીબડામાં રાજભા ગઢવીએ લોકગીતો લલકારતાં પૈસાનો વરસાદ થયો
કચ્છના MP પર લોકોએ રૂપિયા ઉડાડ્યા
20 અને 100ની નોટોથી સ્ટેજ ઊભરાયું
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે કથા પૂર્ણ થઈ હતી. જોકે રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભા ગઢવી, દેવાયત ખવડ, હકાભા ગઢવી સહિત 10 કલાકારોએ લોકગીતો અને સાહિત્ય પીરસતાં લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ હાજર રહ્યા હતા. જેમના પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકોએ રૂપિયા ઉડાડતાં સ્ટેજ પણ નોટોથી ઊભરાઇ ગયું હતું.
કથામાં આ પહેલાં લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બીજી તરફ, લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર 20, 100 અને 500 રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે 26 મે સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા હતા. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈશ્રીની કથાનું શ્રવણ કરવા ગોંડલ અને રાજકોટ આસપાસનાં ગામડાંમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.