અમદાવાદમાં હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો-દર્દી માટે દેવદૂત બન્યા પોલીસ જવાનો
હાથમાં ઊંચકીને પાણી બહાર કાઢ્યાં
શહેરના અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે
રવિવારના સાંજના 7 વાગ્યાની આસપાસથી વરસાદે શહેરને ધમરોળવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ રાતના 12 વાગ્યા સુધી સાંબેલાધાર વરસાદથી ભારે ખાનાખરાબી થઈ હતી. શહેરમાં સરેરાશ 14 ઇંચ, જ્યારે ઉસ્માનપુરામાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા. કુદરતે એવો તો કહેર વરસાવ્યો કે બાળકોથી લઈ વૃદ્ધોની હાલત કફોડી થઈ હતી.
ક્યાં જવું, કેવી રીતે જવું, ઘરે શી સ્થિતિ હશે એ વિચારીને વરસતા વરસાદમાં લોકોની કંપારી છૂટી જાય એવી સ્થિતિ હતી. આજે પણ અનેક વિસ્તારોમાં લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી છે, ત્યારે હોસ્પિટલમાં પણ આ જ સ્થિતિ છે. શહેરમાં હાલાકી વચ્ચે માનવતા મહેકાવતી તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં હોસ્પિટલમાં ફસાયેલાં બાળકોને પોલીસ જવાન બહાર લાવતાં દૃશ્યો સામે આવ્યાં છે, જે ખાખીને સલામ કરે છે.
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ વરસાદને કારણે પાણીથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકોએ કઈ રીતે હોસ્પિટલમાં જવું અને બહાર આવવું એ વિશે વિચારી રહ્યા હતા. આ સમયે હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો અને દર્દીઓની મદદે હરહંમેશની જેમ પોલીસ આવી છે. પોલીસ પોતાના સ્વજનની જેમ દર્દી અને બાળકોને હાથમાં ઊંચકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે. આ સમગ્ર દૃશ્ય ખાખીની નિઃસ્વાર્થ સેવા જ દર્શાવે છે. મોડી સાંજે જે શરૂ થયેલા વરસાદે રાત પડતાં તો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે બીજા દિવસે પણ બપોરે 1:00 વાગ્યા સુધી અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ છે. લોકો રવિવારે રાતની સ્થિતિની કલ્પના કરીને આજે પણ ફફડી રહ્યા છે.
રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.