પાટણમાં ઉજવાશે ગુજરાત સ્થાપના દિન
પાટણ શહેરને શણગારાયું
નવોઢાની જેમ સજાવાયું શહેર
1 મે એટ્લે ગુજરાતનો સ્થાપના દિવસ, સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 1મે ના રોજ મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિ માં ગુજરાતનો રાજ્ય કક્ષાનો 62 મો સ્થાપના દિવસ પાટણ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે પાટણ શહેર આજે રંગબેરંગી લાઇટિંગોથી ઝળહળી ઉઠ્યું છે પાટણમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના મુખ્ય રસ્તાઓ પર રોશની કરવામાં આવી છે. પાટણની સરકારી કચેરીઓ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવી છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઊજવણી થવા જઈ રહી છે જેને લઈ પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. યુનિવર્સીટી, પાટણ કલેકટર કચેરી, સર્કિટ હાઉસ, જીલ્લા પંચાયત, સહિતની તમામ કચેરીઓને કલરફુલ લાઇટોથી શણગારવામાં આવી છે.ત્યારે પાટણમાં આ પ્રકારની તૈયારીઓ જોતા શહેરીજનો ખાસ આ રોશની જોવા ઉમટી પડ્યા હતા.
કલેકટર કચેરી ખાતે પણ મોડી રાત સુધી કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી પણ પોતાની કચેરી ખાતે હાજર રહે છે અને શહેરીજનો સાથે સેલ્ફી પડાવી લોકોને એક કૉમન મેનનો અહેસાસ કરાવે છે . શહેરી જનોએ પણ રંગબેરંગી લાઇટિંગ નિહાળી લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.. સ્થાપના દિવસની ઉજવણીમાં કોઈ કચાસ બાકી ન રહી જાય તેવી રીતે તંત્ર કામ કરી રહ્યું છે.