સુરત જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
સુરત જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
સુરતના ઓલપાડમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 47 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની આજુબાજુના લોકોને પણ અવરજવર ન કરવાની અપીલ કરાઇ છે. નીચાણવાળા વિસ્તારમાં પૂર્વ તૈયારી કરવા તંત્રએ સૂચના આપી દીધી છે. અધિકારીઓને પણ હેડકવાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઇએ કે, રાજ્ય (Gujarat) માં છેલ્લા 2 કલાકમાં 47 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. સવારના 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તો માંગરોળમાં 1.8 ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં 1.5 ઈંચ વરસાદ, સતલાસણમાં 1.3 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 0.8 ઈંચ વરસાદ, વેરાવળમાં 0.8 ઈંચ વરસાદ, કુતિયાણામાં 0.8 ઈંચ વરસાદ, જામનગરમાં 0.8 ઈંચ વરસાદ, ભુજમાં 0.8 ઈંચ વરસાદ, કેશોદમાં 0.8 ઈંચ વરસાદ અને ધરમપુરમાં 0.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આજ રોજ સુરતના ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતના બાવા ફળીયા અને સરદાર આવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. તો બીજી બાજુ શહેરના શાંતિનગર આવાસમાં પણ પાણી ભરાયા છે. શાંતિનગર ઓલપાડ સેવાસદનની બાજુમાં આવેલું છે. 3થી વધુ આવસોમાં પાણી ભરાઇ ગયા છે. 5 ઇંચ વરસાદથી ઓલપાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.
બીજી બાજુ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.