વડોદરા શહેરમાં રખડતાં ઢોરોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો અનેક ઇજાગ્રસ્ત થયા છે. રખડતાં ઢોરોના કારણે એકપણ નાગરિકનું મોત ન થાય તેની તકેદારી રાખવા આદેશ મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને આપ્યા છે. જેના ભાગરૂપે શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા એક્શન પ્લાન બનાવી આજે વહેલી સવારથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલયથી મળેલા આદેશના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર શહેરમાં રખડતાં ઢોરોને પકડવાની ઝૂંબેશ તેજ કરવામાં આવી છે. જે અતંર્ગત વડોદરા મનપાએ ચાર ઝોનમાં રખડતાં ઢોરોને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી છે. આ ટીમ વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના ચારેય ઝોનમાં રખડતાં ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે.
પૂર્વ ઝોન ખાતે રખડતાં ઢોરને પકડી પાડવા મેદાનમાં ઉતરેલી પાલિકાની ટીમ વહેલી સવારના 5 વાગ્યાથી કામે લાગી ગઈ હતી. અત્યાર સુધી 8થી વધુ રખડતાં ઢોરોને પકડી પાડી ઢોર ડબ્બામાં પૂર્યા હતા.પાલિકાની આ રખડતાં ઢોરોને પકડવાની કાર્યવાહી 24 કલાક ચાલુ રહશે. પાલિકા દ્વારા ગેરકાયદેસર ઢોરવાડાના ડ્રેનેજ અને પાણીના જોડાણ કાપવા માટે 406 નોટિસો આપી હતી. જેમાં પૂર્વ ઝોનમાં 6 જેટલા ડ્રેનેજ અને પાણીના જોડાણ કાપવામાં આવ્યા હતા.