ગુજરાતમાં ફરીથી પેપર લીકકાંડ સામે આવ્યો છે. સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે એટલે આજે થનારી પરીક્ષાના બે પેપર લીક થયાનું સામે આવ્યું છે. જોકે, આની જાણ થતા જ આ પરીક્ષા કેન્સલ ન કરવી પડે તેથી રાતોરાત પ્રશ્નપત્ર ફરી બનાવડાવ્યું હતુ. પરીક્ષાના એક દિવસ પહેલા જ પરીક્ષાની કોપી વાયરલ થઇ ગઇ હતી. આજની આ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. આ બંને પ્રશ્નપત્રનો સમય સવારે આઠ વાગ્યાનો છે. જોકે, આ પહેલા પરીક્ષા રદ થઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.
આજે 13 ઓક્ટોબરના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ની પરીક્ષા હતી. જોકે આ બંને પેપર એક દિવસ પહેલા એટલે કે 12 ઓક્ટોબરના રોજ વાયરલ થયા હતા.
તાજેતરમાં અગાઉથી જૂની પુરવણીમાં જવાબો લખી હોમિયોપેથીમાં પાસ કરાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ ડીસિપ્લીનરી કમિટી દ્વારા પરીક્ષા પહેલા જ ઘરે પુરવણી લખી આવનારા વિદ્યાર્થીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઓગસ્ટ-2022માં લેવાયેલી બીએચએમએસ થર્ડ યરની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઘેરથી જ પુરવણી લખીને પરીક્ષા આપવા આવતા પકડાયો હતો. સમગ્ર કિસ્સો એક મહિના અગાઉ બન્યો હોવા છતાં યુનિવર્સિટીએ દબાવી દીધું હતું. પરંતુ ઈડીએસીની મિટિંગમાં સિન્ડિકેટના સવાલ બાદ આ મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય ફરિયાદ કરવા અનેક રજૂઆત કરી હતી તે છતાં આ અંગે આજ દિવસ સુધી કોઇએ ફરિયાદ કરી નથી. બીએચએમએસ થર્ડ યરનો વિદ્યાર્થી લીંબાસિયા મયૂર બેઠક નં. 30171 ઘેરથી પુરવણી નં. 0042272 લઈને આવ્યો હતો અને પકડાયો હતો. હિયરિંગમાં તેણે સુપરવાઈઝરે પુરવણી આપી હોવાનું કબૂલ્યું હતું.