દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક કોઈ પણ શરમ રાખ્યા વીના ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. બન્યું એવું છે કે શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ સૂઈને જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ચોંકાવનારો મેલ મળ્યો હતો. આ મેલનો અર્થ બસ એ જ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો ઊભા રહો અને પહેલા ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં. પહેલેથી જ એવું માનવામાં આવતું હતું કે મસ્ક શુક્રવારે ટ્વિટરના અડધા કર્મચારીઓને કાઢી મૂકશે પણ કોઈએ વિચાર્યું ન હતું કે તેને આ રીતે તેને કાઢવામાં આવશે. એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને પહેલા તેને CEO પરાગ અગ્રવાલ અને સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધા હતા અને હવે તે મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહ્યા છે.
ટ્વિટર તરફથી કર્મચારીઓને એક મેઈલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, ‘ટ્વિટરને વધુ સારું બનાવવા માટે અમે શુક્રવારે અમારા વૈશ્વિક કર્મચારીઓને ઘટાડવાની મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈશું અને આનાથી ઘણા કર્મચારીઓ પર અસર થશે જેમણે ટ્વિટરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પણ કમનસીબે આ પગલું જરૂરી છે. તમે સ્પેમ ફોલ્ડર સહિત તમારો મેઇલ ચેક કરો. જો તમારી નોકરી પર તેનો અસર નથી થયો તો તમને તમારા Twitter ઈ-મેલ દ્વારા નોટિફિકેશન મળશે અને જો નોકરી નથી બચી તો પર્સનલ ઈમેલ પર આવશે નોટિફિકેશન આવશે. જો તમને twitter-hr@ થી શુક્રવારે સાંજે 5PM PST સુધી કોઈ મેઇલ ન મળે તો [email protected] પર મેઇલ કરો.
મેલમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘ટ્વિટર સિસ્ટમ્સ, કસ્ટરમ ડેટા અને દરેક કર્મચારીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓફિસ અસ્થાયી રૂપે બંધ રહેશે. આ સાથે જ દરેક બેજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તમે ઑફિસમાં છો અથવા ઑફિસ પર જવા માટે રસ્તામાં છો તો કૃપા કરીને ઘરે પાછા ફરો. આ બધા માટે પડકારરૂપ બનશે પછી ભલે તમારી નોકરીને અસર થઈ હોય કે નહીં.’
ટ્વિટર ખરીદતાની સાથે જ મસ્કે સૌથી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો હતો. સાથે જ બીજા ચાર વરિષ્ઠ અધિકારીઓને પણ રજા આપવામાં આવી હતી. જેમાં સીએફઓ નેડ સેગલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મસ્ક હજુ 3,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યા છે.