રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી અનેક યુનિયન એકપછી એક આંદોલન કરી રહ્યા છે. પોતાની પડતર માગણીઓને લઈને તેઓ સરકાર સામે બાંયો ચડાવતા જોવા મળે છે. ત્યારે રાજ્યમાં વધુ એક યુનિયને પણ સરકાર સામે શસ્ત્રો ઉગામ્યાં છે. રાજ્યનું નર્સિંગ યુનિયન પણ પડતર માગણીને લઈને સરકાર સામે આંદોલન ચાલુ કર્યુ છે. તેમણે ટ્વિટરના માધ્યમથી સરકારનો વિરોધ કરવાનું ચાલુ કર્યુ છે.
રાજ્યમાં નર્સિંગની ભરતી કરવા માટે હેલ્થ કમીશનરના લેટર પેડ પર 500 જગ્યાઓ પર ભરતી કરવા માટે 29 જુલાઈ 2021ના રોજ જાહેરાત તો આપવામાં આવી હતી. પરંતુ આ પછી વર્ષ નીકળી ગયુ તેમ છતાં કોઈ ભરતી થઈ નથી. સરકાર દ્વારા નર્સિંગ યુનિયનને ભરતી પ્રોસેસમાં હૈયા ધારણ આપવામાં આવે છે પરંતુ તે ભરતી નહિ થતાં નર્સિંગ યુનિયનમા નારાજગી ફેલાઈ છે.
આ મામલે રાજ્યના નર્સિંગ યુનિયનના પ્રમુખ વિપુલસિંહ ચાવડા જણાવે છે કે, સરકારે જ્યારે જાહેરાત બહાર પાડી ત્યારે 500 જગ્યા ખાલી હતી.
હાલમાં જ રાજ્યમાં નવી પાંચ મેડિકલ કોલેજ પણ ચાલુ કરવામાં આવી છે. નવી પાંચ મેડિકલ કોલેજોમાં રાજપીપળા મેડિકલ કોલેજ, ગોધરા મેડિકલ કોલેજ, વેરાવળ મેડિકલ કોલેજ, પોરબંદર અને મોરબી મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. ત્યારે હવે 1700 જગ્યાઓ પર ભરતી થાય તે જરૂરી છે. હાલમાં વડનગર, હિંમતનગર, પાટણ, મેડિકલ કોલેજોમાં 50થી 70 ટકા સ્ટાફ કોન્ટ્રાક્ટ પર ચાલે છે. છેલ્લે અંદાજે 2014માં અંદાજે 12 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. તેમને વર્ષ 2016માં નિમણૂક આપવામાં આવી છે. ત્યારપછી કોઈ ભરતી થઈ નથી. ત્યારે હવે ભરતી કરવાની માગ કરવામાં આવી છે.
ત્યારે હવે રાજ્યના નર્સિંગ યુનિયને સરકાર સામે બાંયો ચડાવી ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડિયા અભિયાન ચાલુ કર્યું છે. આ મામલે ઝડપથી ઉકેલ લાવવા માટે માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકબાજુ વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે નર્સિંગ યુનિયને આંદોલન ચાલુ કર્યુ છે. તો બીજીબાજુ સરકાર પણ ચૂંટણીને ધ્યાને રાખી અલગ-અલગ યુનિયનની પડતર માગણીઓ સ્વીકારીને ઉકેલ લાવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યુ કે, રાજ્યના નર્સિંગ યુનિયની માગણીઓ સ્વીકારવામાં આવે છે કે નહીં!