ખાનગી ઉત્પાદકોના કરાર કરતાં ઊંચા ભાવે સપ્લાય
ઉનાળામાં વીજમાગ વધીને 20,000 મેગાવોટ પર પહોંચે છે
માગ પૂરી કરવા મોંઘા ભાવની વીજળી ખરીદે છે સરકાર
આ ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે એવો જ તાપ આમજનતાને લાઇટ બિલમાં પણ લાગશે. ગુજરાત સરકારના પાવર પ્લાન્ટ ખરાબ સ્થિતિમાં છે અને એને કારણે સરકારને વીજમાગને પૂરી કરવા માટે ઓપન માર્કેટમાંથી ઊંચા ભાવે વીજળી ખરીદવી પડી રહી છે. ગુજરાત ટ્રેડિશનલી પાવર સરપ્લસ સ્ટેટ ગણાય છે. રાજ્યની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 29,000 મેગાવોટથી વધારેની છે, એમ છતાં પ્રાઇવેટ કંપનીઓ અને એનર્જી એક્સચેન્જ પરથી રૂ. 6થી 14 પ્રતિ યુનિટના મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ચાલુ વર્ષ માટે વીજદરમાં વધારો કર્યો નથી, પણ જે પ્રકારે ઊંચા ભાવે પાવર ખરીદવો પડી રહ્યો છે એને કારણે સરકાર પાછલા બારણે લાઇટ બિલમાં વધારો કરી રહી છે.એનર્જી અને રેગ્યુલેટરી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું હતું કે ઉનાળામાં વીજમાગ એકદમ વધી જવાથી સરકાર ખાનગી કંપનીઓ અને એક્સચેન્જ પરથી રૂ. 20 પ્રતિ યુનિટ સુધીના ભાવે વીજળી ખરીદતી હતી.
જોકે બાદમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને (GERC) એમાં લિમિટ બાંધી હોવાથી સરકાર ઓપન માર્કેટમાંથી રૂ. 12 પ્રતિ યુનિટના ભાવે વીજળી ખરીદી રહી છે. પ્રાઇવેટ કંપનીઓ અને એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવી પડતી હોવાને કારણે પ્રજા પર આશરે રૂ. 910 કરોડથી વધુનો બોજો પડશે.એનર્જી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ નામ ન દેવાની શરતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા સમયથી પાવરની સમસ્યા છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદનખર્ચ વધવાથી ખાનગી કંપનીઓ તરફથી સપ્લાય અનિયમિત બની હતી. બીજી તરફ, ઉનાળાને કારણે વીજ માગ વધવાથી એક્સચેન્જ પરથી રોજ 5000-6000 મેગાવોટ પાવર ખરીદવો પડે છે. સરકાર આના માટે રૂ. 8-14 પ્રતિ યુનિટ ચૂકવે છે.સરકારે 2022-23 માટે વીજળીના દરમાં કોઈ વધારો કર્યો નથી, પણ જે પ્રમાણે મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવી રહી છે
એને કારણે આ ખર્ચ પાવર પર્ચેઝ પ્રાઇસ એડજસ્ટમેન્ટ (FPPPA) ચાર્જ દ્વારા ગ્રાહકો પર નાખવામાં આવે છે, એટલે કે આ વખતે ઉનાળા દરમિયાન જે લાઇટ બિલ આવે એમાં ફ્યુઅલ કોસ્ટમાં કોઈ વધારો નહીં હોય, પણ FPPPAના નામે ગ્રાહકોનું વીજ બિલ વધી જશે.છેલ્લાં 2-3 વર્ષથી આયાતી કોલસાના સપ્લાય અને એના ભાવને કારણે કોલ-બેઝ્ડ પાવરનું ઉત્પાદન ઘણું જ મોંઘું થયું છે અને ઉત્પાદકોને પણ એની અસર થઈ છે. ગુજરાત સરકારે અદાણી, એસ્સાર, ટાટા જેવી કંપનીઓ સાથે રૂ. 2.50થી લઈને રૂ. 4 પ્રતિ યુનિટના ભાવે 25 વર્ષના લાંબા ગાળાના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) કરેલા છે, પરંતુ કોલ ઇસ્યુને કારણે બે વર્ષથી કંપનીઓ નિયમિત રૂપે સપ્લાય કરતી નથી, સાથે જ તાજેતરમાં રાજ્ય સરકારે રેટ રિવાઇઝ કરી રૂ. 6.22થી 7.08 પ્રતિ યુનિટ કર્યા છે. આ રીતે જોઈએ તો નિયત થયેલા કરાર કરતાં આ ભાવ લગભગ બમણા છે.