ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. જેમ જેમ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે, તેમ તેમ નેતાઓના પક્ષપલટાઓ શરૂ થઈ ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓની અદલા-બદલીનો ફરી દોર શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
અર્બુદા સેનાએ ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે નહીં. આ ઉપરાંત અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કામગીરી કરશે. અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશે.
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી AAPમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અર્બુદા સેનાને હવે રાજકીય રંગ લાગી શકે છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેના આપ સાથે જોડાશે. જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. અર્બુદા સેનાએ નિર્ણય કર્યો છે કે તે ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે નહીં.
વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે, તેવી અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, AAPના ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે, પણ વિપુલ ચૌધરીની ઉમેદવારીની જાહેરાત AAPએ કરી નથી.
આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 20 બેઠકો પર ચૌધરી સમાજનો પ્રભુત્વ છે. જ્યાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.
મહત્વનું છે કે, રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.