- ડોલ્ફિન જોવા માટે હવે ક્યાંય દૂર જવાની જરુર નથી
- ઓખાના દરિયામાં રમતિયાળ અંદાજમાં જોવા મળી
- ઓખાથી લઈ પોરબંદર સુધીના દરિયામાં અવારનવાર ડોલ્ફિન જોવા મળે છે
દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને પણ વસવાટ શરૂ કર્યો છે. ઓખા નજીક રમતિયાળ અંદાજમાં ત્રણથી ચાર ડોલ્ફિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વર્ષો પહેલા ડોલ્ફિન નિહાળવા માટે પ્રવાસીઓએ ગોવા જેવા સ્થળે જવું પડતું. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં ડોલ્ફિનના દૃશ્યો સામાન્ય બન્યા છે. એટલે કે, ડોલ્ફિન સૌરાષ્ટ્રના દરિયાને પોતાનું ઘર બનાવી ચૂકી છે.
ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી છલાંગ નાંખતી ડોલ્ફિન જોવા મળે તેવી પૂરી શક્યતા છે. વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં હાથ ધરેલા રીસર્ચમાં 232 ડોલ્ફિન જોવા મળી હતી. જ્યારે બાકીના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ જોવા મળી હતી. ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિ છે જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે.
જામનગર નજીક આવેલા મરીન નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં દરિયા જીવસૃષ્ટિ વસવાટ કરે છે. પીરોટન ટાપુ અને નરારા ટાપુ પર અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. આ ટાપુ પર જતી સમયે અથવા તો ઓખાથી બેટ દ્વારકા જતી સમયે પ્રવાસીઓને ક્યારેક નજીકથી ડોલ્ફિન જોવાનો લ્હાવો મળી રહે છે. પોરબંદર આસપાસના દરિયાઈ વિસ્તારમાં પણ માછીમારોને અવારનવાર ડોલ્ફિનના ઝૂંડ જોવા મળી રહે છે.
ગુજરાતના આ દરિયામાં જોવા મળે છે ડોલફિન
સલાયા અને પિરોટન ટાપુ વચ્ચે
નવાબંદર
પિરોટન ટાપુ
પોશિત્રા
સલાયાની પશ્ચિમથી પોશિત્રા વચ્ચે
વેરાવળ
સિમર બંદર