અમદાવાદમાં SOG ક્રાઇમનો ડ્રગ્સને લઇને નવતર પ્રયોગ
‘ડ્રગ્સ ડિટેક્ટ કીટ‘ દ્વારા 9 જ મિનિટમાં ડ્રગ્સના સેવનની જાણકારી મળશે
કીટનો ઉપયોગ કરી તપાસ કરતા અમદાવાદમાં એક વ્યક્તિ પોઝિટિવ મળ્યો
દારૂ બાદ હવેથી ડ્રગ્સનું સેવન કરનારાઓની પણ ખેર નહીં. ડ્રગ્સનું સેવન કરનારા લોકોને પણ હવે સરળતાથી ઝડપી લેવાશે. એ માટે અમદાવાદમાં SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના દ્વારા માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. ડ્રગ્સ ડિટેક્ટ કીટનો ઉપયોગ કરીને સરળતાથી ડ્રગ્સ લેનારી વ્યક્તિને ઝડપી લેવાશે. મહત્વનું છે કે, એ માટે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આજે તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદના જમાલપુર, કાલુપુર, દરિયાપુર અને શાહપુરમાં ડ્રગ્સ ડિટેક્ટ કીટ દ્વારા તપાસ હાથ ધરાતા શહેરમાંથી એક વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાઇ રહ્યાં છે ત્યારે કાલુપુર પોલીસે ગઇકાલે બાતમીના આધારે સારંગપુર સર્કલ નજીકથી એક શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કાલુપુર પોલીસે 23 વર્ષીય ગણપત ઝાલારામ બિશ્નોઇ નામના શખ્સની 83 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનનો રહેવાસી ગણપત ઝાલારામ બિશ્નોઇ કે જે એક મોટીવેશનલ સ્પીકર છે પરંતુ વધુ પૈસાદાર બનાવાના ચક્કરમાં તે ‘ડ્રગ્સ કેરિયર બોય’ તરીકે પણ કામ કરે છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ આરોપી બાડમેરથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને જામનગરના મૈંયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો. જો કે એ પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
મહત્વનું છે કે, ડ્રગ્સની હેરાફેરી માટે આરોપી ગણપતને એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા હતા..અને આરોપીની બીજી ટ્રીપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ હેરાફેરીમાં રાજસ્થાનના પેડલરો ગુજરાત માં ડ્રગ્સ મોકલતા હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતના ડ્રગ્સ નેટવર્કને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.