હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી
21-22 જુલાઈએ દ.ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી
23-24 જુલાઈએ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. 21 અને 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સુરત, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદથી ભારે વરસાદ પડી શકે છે. 23 અને 24 જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં અતિભારે વરસાદ વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. 23એ કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. 24 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. તો આજ રોજ 20 જુલાઈએ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
અત્યાર સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓના નીર વલસાડ, નવસારી સહિતના વિસ્તારોના ગામડાઓ અને શહેરોમાં ઘુસ્યા હતા. તો નદી-નાળા છલકાયા હતા, ડેમ ઓવરફ્લો થઇ ચૂક્યા હતા. બીજી તરફ રોડ-રસ્તા અને કેટલાક ચેકડેમ ધોવાઇ ચૂક્યા છે. અતિભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘરવખરી, ખેતપેદાશો, રોડ-રસ્તા અને માનવ અને પશુ હાનિ થઇ હતી. ત્યારે હવામાન વિભાગે ફરી અતિભારે વરસાદની આગાહી કરતા દક્ષિણ ગુજરાતના લોકો ચિંતામાં મૂકાયા છે.
હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ખેડાના માતર તાલુકામાં 3.25 ઈંચ વરસાદ થયો છે. સાથે નડિયાદ અને વસોમાં 3-3 ઈંચ વરસાદ, જ્યારે પોસિના અને કપરાડામાં 2.75 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત મહેમદાવાદ અને ખેડામાં 2.25 ઈંચ, જ્યારે હાલોલ, વિજયનગર, કડાણા, મહુધા, ઈડર, ગોધરા, ખેડબ્રહ્મામાં અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ થયો છે.