ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવત
જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની આવક
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ક્યા ડેમોમાં નવા નીરની આવક થઇ છે તે જાણીએ.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદેન કારણે ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક થવા પામી છે. જેને કારણે ડેમની સપાટી 114.38 મીટરે પહોંચતા CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો 8 હજાર 409 ક્યુસેક નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે ફોફળ -1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.પરિણામે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા છે. તો આ તરફ જામકંડોરણા પંથકમાં સારા વરસાદથી ડેમમાં પાણીની આવક થવા પામી છે. દૂધીવદર, ઈશ્વરિયા, તરવડા, વેગડી ગામના લોકોને સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
તો આ તરફ મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધવા પામી છે. કડાણા ડેમમાં 6 હજાર 800 ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી એક ફૂટ જેટલો વધારો થયો છે. ડેમની જળસપાટી 380 ફૂટે પહોંચી છે. 5 હજાર 100 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં સતત મેઘ મહેર જોવા મળી રહી છે. મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના નદી અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે… સૌરાષ્ટ્રના નાના મોટા 141 ડેમોમાં 7.2 MCFT પાણીનો વધારો થયો છે.જામકંડોરણના દૂધીવદર પાસે ફોફળ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે… ભાદર-1, ભાદર-2 અને છાપરવાડી સહિતના ડેમોમાં પાણીની આવક થઇ છે.ભાદર-2 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ભાદર ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર ડેમની નીચે 37 ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના નાના ચેકડોમો ઓવરફ્લો થયા છે.સૌરાષ્ટ્રમાં હાલ 11 તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
આ તરફ વલસાડમાં પણ મધુબન ડેમમાં ધરખમ પાણીની આવક થવા પામી છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક વધતા દમણ ગંગા નદીમાં 21 હજાર 900 ક્યુસેક પાણી છોડાયું છે. પરિણામે દમણગંગા નદી તોફાની બની છે.