અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યાં છીએ: મોદી
નવસારીમાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે: વડાપ્રધાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. અમારા માટે સત્તામાં બેસવું એ સેવાનો અવસર છે.નવસારીમાં સભા સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતું. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવતો હતો. અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.
તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન…અહી આદિવાસીઓ એક લાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે.વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગૌરવની પળ છે. આટલી વિશાળ સંખ્યામાં જનમેદીની તો મારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ ન હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની જોડીએ આ સફળ બનાવ્યું છે. સભાને જોઈ પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે 5 લાખ લોકો એકત્ર થયા એ ગૌરવની વાત છે. હું લાંબા સમય પછી ચીખલી આવ્યો છું. મને આવતા વાર લાગી, કેમ કે હું આદિવાસી ભાઈ-બહેનોની વાત સાંભળતો હતો.