- યુક્રેનમાં હજુ સુરતના 8થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે
- અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત પરિવારે કરી રજૂઆત
- વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું છે, પરંતુ ફ્લાઈટ બંધ,
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના પગલે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા સુરતના 8થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓને યુક્રેનમાં ઘરમાં જ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યાં છે. ગભરાયેલા વિદ્યાર્થીઓ વાલીઓને વિનંતી કરી રહ્યા છે કે અમે બને તેટલી ઝડપથી ભારત આવવાની વ્યવસ્થા કરવામાં આવે. જેથી ચિંતાતૂર વાલીઓ દ્વારા ક્લેક્ટરને રજૂઆત કરીને ઝડપથી વિદ્યાર્થીઓને ભારત લાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
યુક્રેનમાં પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતી વિભૂતિના વાલી અશોક પંચોલીએ જણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યે દીકરી સાથે વાત થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ડરી ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલની સ્થિતિમાં તમામ લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ભારત પરત ફરવું છે પરંતુ ફ્લાઈટ ન હોવાથી તેઓ આવી શકે તેમ નથી. જેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોને તાત્કાલિક ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
વાલીઓ સાથે ક્લેક્ટર કચેરીએ આવેલા પાલિકાના વોર્ડ નંબર 22ના કાઉન્સિલર દિપેશ પટેલે જણાવ્યું હતું કે, વાલીઓ અમારી પાસે મદદ માટે આવ્યા હતાં. જેથી અમે તપાસ કરતાં 8થી 10 વિદ્યાર્થી યુક્રેનમાં હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જેથી અમે વિદ્યાર્થીઓ પરત આવે તે માટે ભાજપ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ક્લેકટરને રજૂઆત કરી છે.