ગુજરાતમાં ચોમાસાની જમાવટ
હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 202 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં 9.5 ઈંચ વરસાદ થયો છે. સાથે કચ્છના અંજારમાં 8.5, ભુજમાં 8 અને ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વઘઈમાં 6.5 ઈંચ અને ડાંગ, વાંસદા, કરજણ તથા ડોલવણમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જ્યારે નખત્રાણા અને વ્યારામાં 6-6 ઈંચ અને ધનસુરા, રાજકોટ, માંડવી અને સોનગઢમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ભરૂચમાં 5.25 અને મહુવા, વાલોદ તથા જોડિયામાં 5-5 ઈંચ વરસાદ થયો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 13 થી આગામી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 94 ટકા 12 જુલાઇ સુધી પડી ગયો છે. આ સિવાય મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં પણ સારા વરસાદના વરતારા છે.
આ સાથે સાથે રાહત બચાવને લઈને પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. NDRF-SDRFની 18-18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરોકત રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં જરૂર પડ્યે ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જશે.
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગુજરાતમાં નદી હોય કે નાળા, ડેમ હોય કે જળાશયો બધુ જ પાણી પાણી થઈ ગયું છે. રાજ્યમાં કુલ 18 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે. અને 8 જળાશયોની સપાટી ભયજનક સ્તર પર પહોંચાવા આવી છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 47.71 ટકા પાણીનો સંગ્રહ છે . જ્યારે અન્ય 206 જળાશયોમાં સંગ્રહ શક્તિના 33.61 ટકા પાણીથી ભરેલા છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.