કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે જાહેર-ખાનગી ભાગીદારીના માધ્યમ હેઠળ ગુજરાતના દીનદયાળ બંદરના તુણા-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ગુજરાતમાં દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ પર પીપીપી મોડને આધારે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપર્પઝ કાર્ગો બનશે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છૂટછાટના સમયગાળા દરમિયાન, છૂટછાટ મેળવનારને તેની એપ્રોચ ચેનલ, બર્થ પોકેટ અને ટર્નિંગ સર્કલને ઊંડું/ પહોળું કરીને 18 મીટર-ડ્રાફ્ટ સુધીના જહાજોનું સંચાલન કરવાની સ્વતંત્રતા હશે.
દીનદયાળ પોર્ટ ભારતના 12 મુખ્ય બંદરો પૈકીનું એક છે અને તે પશ્ચિમ કિનારે ગુજરાતના કચ્છના અખાતમાં આવેલું છે.
પ્રોજેક્ટને બીઓટી (બિલ્ટ ઓપરેટ ટ્રાન્સફર) આધારે ખાનગી ડેવલપર/બીઓટી ઓપરેટર દ્વારા વિકસાવવાની દરખાસ્ત છે જેની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે થશે. કન્સેશનર પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ફાઇનાન્સિંગ, પ્રોક્યોરમેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન કમિશનિંગ, ઓપરેશન, મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સ માટે જવાબદાર રહેશે.