ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું
મુખ્યમંત્રી તરીકે રોહન રાવલની પસંદગી
વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવેની પસંદગી
આજની યુવા પેઢી એ આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ સામાજિક, રાજકીય તથા રાજનીતિના પ્રવાહો તથા બંધારણ વિશેની સમજ કેળવી શકે અને આગામી સમયમાં ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી ગુજરાત વિધાનસભામાં આજે મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી.
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું હતું. જેથી તેમને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે. વધુમાં જણાવ્યું હતું કે, આ માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આજે વિદ્યાર્થીઓની વિધાનસભામાં ધોરણ 12 અને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા.
એક દિવસીય મોક વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતો રોહન રાવલની પસંદગી થઇ છે. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે. આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં આજે જોવા મળ્યુ ગુજરાતનું ભાવિ. જી,હા ગુજરાત સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં હતી તે કહેવુ ખોટુ નહી. કારણ કે જે રીતે મંત્રી, ધારસભ્યો વિધાનસભામાં બેસે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ વેલડ્રેસ અને પુરતા જ્ઞાન સાથે વિધાનસભામાં બેઠા. ગુજરાતની સાંપ્રત સમસ્યાઓ તથા સરકારની કામગીરી જેવી કે , સ્ટેચ્યુ ઑફ યુનિટી, ધનવંતરિ રથ તથા કોરોના અંગે સવાલ જવાબ કરતા જોવા મળ્યા.
ગુજરાતની વિધાનસભામાં એવુ પહેલી વાર જોવા મળ્યુ કે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારસભ્યો, સ્પીકર પ્રેક્ષક ગેલરીમાં જોવા મળ્યા. આવુ દ્રશ્ય આજે પ્રથમવાર જોવા મળ્યુ. વિધાનસભામાં જે ગંભીર ચહેરા જોવા મળતા હતા તે તમામ આજે પ્રેક્ષક ગેલેરીમાં ખુશખુશાલ જોવા મળ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નીમાબેન આચાર્ય, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ દિગ્ગજો વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ચલાવતા જોઇને આનંદિત થયા. તેઓ દરેકના સવાલ તથા જવાબ આપવાની રીત વગેરે જોઇને ખુશ જણાયા હતા.