ઇ-મેમો બંધ કરવા MLA ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રીને જાણ કરી
રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને શહેરીજનોમાં ભારે રોષ
રાજકોટમાં કુલ વાહનો કરતા બમણાથી વધુ કેસો નોંધાયા: ગોવિંદ પટેલ
રાજકોટમાં કુલ વાહનો કરતાં બમણાથી વધુ ઈ-મેમોના કેસ સામે આવ્યા છે. જેને લઇને ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઈ-મેમો બંધ કરવા રજૂઆત કરી છે. MLA ગોવિંદ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, ‘રાજકોટમાં ઈ-મેમો ભરવાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 5 વર્ષમાં રૂપિયા 180 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેથી લોકો પીસાઈ રહ્યાં છે.’ વધુમાં તેમણે રજૂઆત કરી કે, ‘રાજકોટમાં અત્યાર સુધી 24.30 લાખ નાગરિકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. જેમાંથી 75 ટકા વાહન ચાલકોએ 150 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો હજુ બાકી છે.’
રાજકોટમાં થર્ડ આઇ પ્રોટેક્શનની સુવિધા આપવામાં આવી છે. ઠેર ઠેર સીસીટીવીની નિગરાની છે. પરંતુ આ સીસીટીવીનો ખરો ઉપયોગ તો ટ્રાફિક પોલીસે જ કર્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે 180 કરોડનો દંડ ફટકાર્યો. વળી તે કુલ વાહનોની સંખ્યા કરતા બમણાથી પણ વધારે.
અત્યાર સુધીમાં રાજકોટ ટ્રાફિક પોલીસે 24.30 લાખ નાગરિકોને ઇ-મેમો ફટકાર્યો. જો કે 150 કરોડનો દંડ ભરવાનો બાકી છે. પરંતુ રાજકોટ વાસીઓ ટ્રાફિક પોલીસના આ વર્તનથી હેરાન પરેશાન થઇ ગયાછે, રાજકોટ માટે આઇવે સીસીટીવી પ્રોજેક્ટ દંડાત્મક બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સીસીટીવી કેમેરાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા ઉપયોગ થાય તે સારી વાત છે પરંતુ ટ્રાફિક પોલીસે તેનો મિસયુઝ કર્યો હોવાનો વાહનચાલકો આરોપ લગાવી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, રાજકોટને સુરક્ષિત રાખવા માટે આઇવે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે થર્ડ આઇનું પ્રોટેક્શન આપવામાં આવ્યું. જેની પાછળ 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ કરોડોના ખર્ચે વસાવેલા સીસીટીવી ઇમેમોમાં બહુ ચર્ચાસ્પદ બન્યા છે. કારણ કે રાજકોટ વાસીઓને છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે 180 કરોડનો દંડ ફટકાર્યો છે.