બે મહિનાથી બંધ પાણીના બોરમાંથી અચાનક 20 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો
છેલ્લા બે-ત્રણ દિવસથી રોજ બે-ત્રણ કલાક પાણી ઊડતાં ગ્રામજનોમાં કુતૂહલ ફેલાયું
આ દૃશ્યો જોઈ ગામલોકોમાં કુતૂહલ સર્જાયું છે.
ક્યારે શું થાય તે કહેવું અઘરું છે. તમે ગમે તેટલી ટેક્નોલોજી વિકસાવો પણ કુદરત સામે તમે કશું ના કરી શકો! આવો જ એક બનાવ જુનાગઢ જિલ્લામાં બનવા પામ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાં આવેલા 10 વર્ષ જૂના બોર આવેલ છે. જોકે આ બોરમાં છેલ્લા બે મહિનાથી પાણી ખૂટી જતાં બંધ થઈ ગયો હતો. દરમિયાન ત્રણેક દિવસ પહેલાં આ બંધ બોરમાંથી અચાનક જ પાણીનો ધોધ છૂટવા લાગતાં ખેતરમાલિક તથા આસપાસના ખેડૂતો પાણીના ફુવારાનાં દૃશ્યો નિહાળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વાતની જાણ થતાં ગ્રામજનોમાં પણ કુતૂહલ પ્રસરી ગયું હતું. કોઈ ખેડૂત દ્વારા પાણીના ફુવારાનાં દૃશ્યો કેમેરામાં કેદ કરી લીધેલો, જે નિહાળી સૌ નવાઈ પામી રહ્યા છે.હાલ ભરઉનાળાની સીઝનમાં પડી રહેલા આકરા તાપને કારણે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રતો સુકાવા લાગ્યા હોવાથી જમીનમાં તળ નીચે ગયા હોવાથી બોરોમાં પણ પાણી ખૂટી ગયા હોવાથી ઠેરઠેર પાણીનો પોકાર બોલી રહ્યો છે.
એવા સમયે જિલ્લાના વિસાવદર ગામના સીમ વિસ્તારમાં ખેતર ધરાવતા કમલેશભાઈ રામજીભાઈ રીબડિયાને પોતાના ખેતરમાં એક દાયકા જૂનો બોર છે. એ બોરમાં છેલ્લા બે માસથી પાણી ખૂટી ગયું હોવાથી બંધ હાલતમાં પડ્યો હતો.પરંતુ ત્રણેક દિવસ પહેલાં અચાનક જ આ બંધ બોરમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો હતો. ત્યારે થોડા સમય બાદ જ અચાનક બંધ બોરમાંથી પાણીના ફુવારા છૂટવાનું શરૂ થયું હતું. આ દૃશ્યો નિહાળી ખેડૂત પણ નવાઈ પામ્યા હતા. આની જાણ થતાં આસપાસ રહેતા ખેડૂતો જોવા માટે ઊમટી પડ્યા હતા. ઊંચે સુધી ઊડતા પાણીના ફુવારાનાં દૃશ્યો નિહાળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, પ્રથમ વાર ચારેક દિવસ પહેલાં અચાનક પાણીનો ફુવારા છૂટયો હતો. ત્યાર બાદ એકાંતરા પાણીના ફુવારા થઈ રહ્યા છે. જ્યારે ફુવારા છૂટવાનું શરૂ થાય ત્યારે દોઢથી બે કલાક સુધી ચાલુ જોવા મળે છે. હાલ આ દૃશ્યો જોઈ ગામલોકોમાં કુતૂહલ સર્જાયું છે.