• ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી
• આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ
• ગઈ કાલે અમરેલીમાં પવન સાથે આવ્યો હતો વરસાદ
ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની સિઝન ધીરે ધીરે બંધાઈ રહી છે. રાજયમાં ગઈ કાલે અમરેલી અને ભાવનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જોકે વરસાદના ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે ફરી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ગઇ કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવમાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોના કારણે ઠંડક અનુભવાશે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં ગઇ કાલે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ત્યાર બાદ સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલા તાલુકાના વંડા, શેલના, ઘોબા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેના કારણે શેલણાની સૂતિશેલ નદી ફરી જીવંત બની હતી અને નદીમાં પૂર જેવાં દ્રશ્યો જોવા મળ્યા હતાં. સતત 42 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન બાદ અચાનક આવેલા વરસાદના કારણે વાતવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.
ત્યારે બીજી બાજુ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકાના દેરલા, રાણીગામ પીપરડી જેવા ગામમાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.પણ કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે