આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું
બચાવ માટે NDRFની ટીમ પહોંચી; વરસાદથી બોરસદમાં બેનાં મોત
બોરસદમાં ગુરુવારે રાત્રે છ કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
બોરસદ શહેરની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું છે. આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બે લોકોનાં મૃત્યું થયાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદથી 20 જેટલા પશુ પણ મૃત્યું પામ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારે સવારે પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
આણંદમાં ભારે વરસાદથી સિસવા ગામ ખાતે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જે બાદમાં એનડીઆરએફની એક ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે. અહીં એનડીઆરએફના 27 જવાન પહોંચ્યા છે. અહીં કિશન બારિયા નામનો એક યુવાન પાણીમાં ગરક થઈ ગયાની જાણ થઈ છે. એનડીઆરએફની ટીમ ગામના લોકોને સુરક્ષિત બહાર કાઢી રહી છે, તેમજ ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.
આણંદના બોરસદમાં ગુરુવારે રાત્રે છ કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે બોરસદના હાલ બેહાલ થયા હતા. શહેરના JD પટેલ માર્ગ, જૈન દેરાસર, પાંચ વડ, ખાડિયા વિસ્તાર, કસારી વિસ્તાર, સિંગળાવ રોડ, વન તલાવડી,પામોલ રોડ વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો હતો. જે બાદમાં આણંદ ફાયર બ્રિગેટની ટીમ અને તરવૈયાઓ બોરસદ પહોંચ્યા હતા. આ ઉપરાંત બોરસદ પાલિકા પ્રમુખ, મામલતદાર, સાંસદ મિતેષ પટેલે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી હતી.
બોરસદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બોરસદના અનેક ઘરો વરસાદના પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાવાથી ઘર વખરીને ખૂબ મોટું નુકસાન થયું છે. લોકોને સલામ સ્થળે ખસી જવાની ફરજ પડી હતી. બોરસદની સ્થિતિ મામલે સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, “વરસાદને પગલે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 20 પશુઓનાં મોત થયા છે. સરકારને જરૂરી મદદ માટે જાણ કરી છે.
આ મામલે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ સાથે પણ વાત કરી છે. તેમને સ્થિતિ અંગે વાકેફ કર્યાં છે.” આણંદના સાંસદ મિતેષ પટેલે બોરસદના અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળો પર ખસેડવા અને તેમને ભોજન સહિતની વસ્તુઓ મળી રહે તે વાતની ખાતરી કરી હતી.
હવામાન વિભાગે શુક્રવારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.