ગુજરાતભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વીજળી પડતાં 2 ખેડૂતોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજ્યું છે. રાજ્યમાં હજુ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓના વાતવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન રાજ્યમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યાં છે.
રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું.
તો સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCLના એક મહિલા કર્મચારીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. UGVCLના મહિલા કર્મી મીતાબેન ભટ્ટ મહાવીરનગરથી મોતીપુરા એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે રોડ વચ્ચે લગાવેલ સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી થઈને તેમની ઉપર પડ્યો હતો. જેથી તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાકર્મીના નિધનને પગલે સમગ્ર પરિવારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્યું છે.