રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર એક ઇંચ વરસાદ
ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરીવાળ્યા
ચાર દિવસના વિરમબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ચાર દિવસના વિરામ બાદ આજે રાજકોટ શહેરમાં અષાઢી બીજનું શુકન મેઘરાજાએ સાચવ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગોંડલ અને યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સવારના 6થી બપોરના 3.30 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં એક ઇંચ, ઇસ્ટ ઝોનમાં 15 મીમી અને વેસ્ટ ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો છે.
આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ શહેરીજનોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા છે ને બીજી તરફ મેઘરાજા પણ તેમના સાક્ષી બની આજે શહેરમાં વરસી રહ્યા છે. આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ વચ્ચે બપોરના સમયે શહેરના માધાપર, મનહરપુર, ઘંટેશ્વર, જામનગર રોડ, કોટેચા ચોક, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે.
યાત્રાધામ વીરપુરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોએ વાવેતર કરેલા પાક પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ ગોંડલ પંથકમાં પણ મેઘરાજાએ મંડાણ માડ્યા છે. ગોંડલના દેરડી અને કોલીથડ ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 5 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આજે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ગત રવિવારે રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પનનને કારણે શહેરમાં 42 વૃક્ષો ધરાશાયી થયા હતા