રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ,ગાંધીનગર,વડોદરાવાસીઓએ વરસાદ માટે રાહ જોવી પડશે
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઇ છે. જો કે, બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓએ હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ત્યારે અહીં જોઇશું કે ગઇકાલે મેઘરાજાએ રાજ્યના કયા-કયા વિસ્તારોમાં ધડબડાટી બોલાવી?
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખૂંધ સહિતના અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી પણ વહી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.જામરાવલમાં મોડી સાંજે પવનના સુસવાટા સાથે મેઘ મહેર થઈ છે.
તો બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં તોફાની પવનથી ભયંકર નુકસાન થયું છે. બંદર રોડ પર આવેલ કંપનીઓમાં લાખોની વખરી પવનને કારણે નાશ પામી છે. ફાઇબર કંપનીઓમાં બનતી બોટ અને ફર્મા તૂટી પડ્યા.
રાજ્યમાં વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે શરૂઆતમાં મેઘાએ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મહેર વરસાવી છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ગોંડલ , પોરબંદરના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મનમુકીને વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાવણી લાયક વરસાદ વરસવાથી ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે.