ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી
આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી
30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજે ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમના અને દીવમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂનના રોજ રાજ્યમાં દ્વારકા, પોરબંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 1 જુલાઈના રોજ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસશે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યના વલસાડ, વાપી, ભરૂચ સહિતના શહેરોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વલસાડ, જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.
આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.
ગઇકાલે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો તો મેઘાડંબર વચ્ચે વાપીમાં વરસાદે સટાસટી બોલાવી હતી જેને લઈને 2 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આ ઉપરાંત ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ ખબક્યો હતો. વધુમાં વલસાડના તિથલનો દરિયો વરસાદી વાતાવરણ વચ્ચે ગાંડોતુર બન્યો હતો.જેને લઈને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યાં હતા. આ તકે દરિયામાં તોફાનને પગલે કલેકટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું હતું. માછીમારો અને મુલાકાતીઓની સલામતીને ધ્યાને લઇને તિથલના દરિયાકિનારે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
આ સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.