ગુજરાતમાં આજે પણ મેઘો મહેરબાન
વિવિધ જિલ્લાના ડેમો થયા ઓવરફ્લો
ક્યાંક ગામ સંપર્ક વિહોણા તો ક્યાંક ખેતરો પાણીમાં
ગુજરાતમાં મેઘરાજાની મહેર થઇ છે. સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે નદી-ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મેઘરાજા વરસતા નદીઓ બે કાંઠે વહી છે. ત્યારે જાણીએ નદી-ડેમોનો કેવો છે માહોલ.. તેમજ કેટલા ગામો બન્યા સંપર્ક વિહોણા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે લીધો વિરામ લીધો. પરંતુ ધોધમાર વરસાદને કારણે કલ્યાણપુરનો મેઢા ક્રિક ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ ડેમ થકી 10થી વધુ ગામોને સિંચાઇનું પાણી પુરુ પાડવામાં આવે છે.
તો આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો છે, ત્યારે નવસારીમાં વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરાંત પૂર્ણા નદી પરનો લો-લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. સાથે જ કુરેલ ગામનું ગરનાળું પણ પાણીમાં ડૂબ્યું છે. જેને કારણે બે ગામના લોકોને આવન-જાવનમાં સમસ્ય ઉભી થઇ છે.
આ તરફ તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક થવા પામી છે. ડેમની સપાટી 316.33 ફૂટ પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને લઇને ડેમમાં 55 હજાર 346 ક્યુસેક પાણીની આવક થવા પામી છે.
તો આ તરફ કચ્છના લખપતમાં ધોધમાર વરસાદને પગલે બાલાપર પાસેનો પુલ ધરાશાયી થયો. પુલ તૂટતા પાંચ ગામોના લોકોને હાલાકી પહોંચી છે. પુલ પરથી પસાર થતી ટ્રક પલટી મારી હોવાનું સામે આવ્યું છે. જાનહાનિ થઇ કે નહી તે જાણી શકાયુ નથી પરંતુ પુલ તૂટતા 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
વલસાડ જિલ્લામાં સતત એક અઠવાડિયાથી મેઘમહેર થતા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વાપી પાસેથી પસાર થતી દમણગંગા નદીમાં પાણીની ભારે આવક થવા પામી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 22 હજાર ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થવા પામી છે. ડેમના 6 દરવાજા 1મીટર ખોલાયા. બીજી તરફ દમણ ગંગા નદીનો વાપી પાસેનો કોઝવેડેમ ઓવરફ્લો થતા નદી કાંઠા પાસે સાવચેતીના ભાગરૂપે પોલીસને કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
જૂનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં ઓઝત નદીમાં પૂર આવ્યુ, ઓઝતના પાણી હજારો એકર ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.મગફળી સહિતનો મહામૂલો પાક નુકસાનીમાં જાય તેવી ભીતિ સેવાઇ છે. દર વર્ષે ઘેડ પંથકમાં આ સ્થતિનું નિર્માણ થાય છે જેને લઇને ખેડૂતોએ નદી ઊંડી અને પહોળી કરવા માગ કરી.