મધરાતે ગાજવીજ-તોફાની પવન સાથે ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદથી ચાર કલાકમાં જળબંબાકારની સ્થિતિ
એક વ્યક્તિ સહિત 11 પશુનાં મોત
આણંદ જિલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આભ ફાટ્યું હોય એમ સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી તેમજ 11 જેટલાં પશુનાં મોત પણ થયાં હતાં. બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે એક શખસનું મોત પણ થયું છે. કસારી ગામે તળાવમાં સ્લિપ થતાં કુણાલ ઉર્ફે સંજુ લાલભાઈ પટેલનું મોત થયું છે.
આણંદ જિલ્લામાં ગુરુવારની બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. સખત બફારા વચ્ચે ગમે ત્યારે ધોધમાર વરસાદ પડે એવી સંભાવના ઊભી થઇ હતી. આ દરમિયાન મોડી રાત્રે 10 વાગ્યા બાદ તોફાની પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. આ વરસાદ આણંદ જિલ્લામાં સાર્વત્રિક પડ્યો હતો. બોરસદમાં જાણે આભ ફાટ્યું હોય એવું જોવા મળ્યું હતું. માત્ર ચાર કલાકમાં જ 11 ઇંચથી વધુ વરસાદ પડતાં સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આણંદ જિલ્લામાં રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના બોરસદમાં તારાજી સર્જી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. માત્ર ચાર કલાકમાં 11 ઈંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. મેઘમહેર થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ પાણીના નિકાલ માટે પાલિકાની ટીમે રાત્રે જ ઓપરેશન હાથ ધરી દીધું હતું. દબાણો દૂર કરવા ઉપરાંત સાફ ન થયેલા કાંસનું તાત્કાલિક સફાઇ કરવાનું શરૂ કર્યું હતું.
આ ગંભીર સ્થિતિને પગલે પાલિકા-પ્રમુખ આરતીબેન પટેલ સહિતની ટીમ રાત્રે જ કામે લાગી હતી અને સમગ્ર મશીનરી કામે લગાડી હતી. જોકે વરસાદી પાણીના નિકાલ આડે દબાણો મોટા અવરોધ રહ્યાં હોવાનું પુરવાર થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કાંસ પર દબાણો અને સફાઇમાં આળસને કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાથી મોટી મુશ્કેલી સર્જી છે.
આણંદની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગરનાળા પાણીથી છલોછલ થઈ જતાં વાહનચાલકોને હાલાકી પડી હતી. જિલ્લાના મોટા ભાગના તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
મહત્ત્વનું છે કે બોરસદ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવાર સુધી પાણી ઊતર્યા નહોતાં. વિસ્તારોમાં બોરસદનગરની સ્થિતિ એટલી નાજુક બની ગઇ હતી કે શહેરમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત 11 જેટલાં પશુનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે વ્હેરા ગામે દીવાલ પડી ગઈ હતી. જોકે એમાં કોઇ જાનહાનિ થઈ ન હતી. આણંદ જિલ્લામાં સાર્વત્રિક નોંધાયેલા વરસાદમાં આંકલાવમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના બોરસદમાં 282 MM, આંકલાવમાં 78 MM, આણંદમાં 28 MM અને તારાપુરમાં 42 MM વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો