અમદાવાદના ગિરધર નગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં લાગેલી આગમાં 17 વર્ષીય કિશોરીનુ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય 5 સભ્યોને ફાયર વિભાગે બચાવ્યા છે. આજે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક આગ બુઝાવવા અને લોકોને બચાવવાની કવાયત હાથ ધરી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં લેવા ફાયર વિભાગની 11 ગાડીઓની મદદ લેવાઈ હતી. જે બાદમાં ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે.
ગિરધર નગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં સાંતમા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ફાયરની 11 ગાડીઓની મદદથી બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ હતી. જોકે આ આગની દુર્ઘટનામાં સાંતમા માળે ઘરમાં 5 સભ્યો હતા જેમાંથી એક 17 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. ફાયરની ટીમે 17 વર્ષીય કિશોરીને બચાવ્યા બાદ તેની હાલત ગંભીર હતી. જેથી કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું મોત થયું છે.
આગ લાગવાનું કારણ અકબંધ
અમદાવાદના ગિરધર નગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં અચાનક આગ લાગી હતી. જોકે હજી સુધી આ આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તમામ 5 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપરના 3 માળના લોકોનું પણ રેસ્ક્યુ કરાયુ હતું. જોકે ગંભીર રીતે દાઝી જવાને કારણે 17 વર્ષીય કિશોરીનું મોત થયું છે.
થોડા દિવસો પહેલા શાહપુરમાં લાગેલી આગ 3 ના મોત થયા હતા
થોડા દિવસો પહેલા અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. જેમાં સવારના સમયે 4:30 વાગ્યે ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું હતું. એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે, પતિ-પત્ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ છે.