ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસના લીકેજને કારણે ચાર કર્મચારીઓના મોત થયા છે. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એમ. પાટીદારે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) ના કર્મચારીઓ પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે બેભાન થઈ ગયા હતા. ચારેય કર્મચારીઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણનું રવિવારે સવારે 3 વાગ્યે મૃત્યુ થયું હતું, જ્યારે અન્યનું સવારે 6 વાગ્યે મૃત્યુ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કંપનીના CMS પ્લાન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી પસાર થતી પાઇપમાંથી ગેસ લીકેજ થતાં ચાર કર્મચારીઓ બેભાન થઇ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચારેયના મોત થયા હતા.
મૃતકોમાં બે ઉત્તર પ્રદેશના હતા
અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ રાજેશ કુમાર (ગુજરાત), મુદ્રિકા યાદવ (ઝારખંડ), સુશિત પ્રસાદ અને મહેશ નંદલાલ (બંને ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. દહેજ સ્થિત જીએફએલના ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે અને મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
કંપની તપાસમાં સહકાર આપશે
જીએફએલના ડેપ્યુટી જનરલ મેનેજરે કહ્યું, “કંપની અને મેનેજમેન્ટ આ ઘટનાથી દુખી છે. અમે સત્તાવાળાઓને સહકાર આપવાનું વચન આપ્યું છે અને અમે આ મામલે તપાસ કરીને અમારો રિપોર્ટ સબમિટ કરીશું.” ભરૂચના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે, ”અંબેટા ગામ પાસેના GFL પ્લાન્ટમાં ગેસ લીક થવાને કારણે ચાર લોકોના મોત થયા છે . મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને કેસની તપાસ ચાલી રહી છે.