બે સિંહ અને ત્રણ દિપડાને કોરોના રસીનો બીજો ડોઝ અપાયો
હિલચાલનું મોનીટરીંગ સાથે એન્ટીબોડીઝનું અવલોકન કરવામાં આવશે
જુનાગઢ સક્કરબાગ ઝુના પ્રાણીઓને રસી આપવાનું નક્કી થયેલ
જૂનાગઢનાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા વન્યપ્રાણીઓ પૈકીના બે સિંહ અને ત્રણ દિપડાઓને 28 દિવસ પહેલા કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેથી હવે આગામી બે મહિના સુધી આ પ્રાણીઓની હિલચાલનું મોનીટરીંગ અને એન્ટીબોડીઝનું અવલોકન કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે દેશનાં અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યાની વિગતો સામે આવી હતી. જેથી પ્રાણીઓને આ ચેપથી બચાવવા માટે સાવચેતીના ભાગરૂપે દેશના પ્રાણી સંગ્રહાલયોમાં ૨હેતા પ્રાણીઓને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દેશનાં છ પ્રાણી સંગ્રહાલયો પૈકી જૂનાગઢનાં સક્કરબાગ ઝુ ની પણ પસંદગી થઈ હતી.
જેના પગલે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતાં વન્યપ્રાણીઓ પૈકીનાં બે સિંહ અને ત્રણ દીપડાને પ્રથમ તબક્કામાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ એક માસ પુર્વે આપવામાં આવ્યો હતો. તેના 28 દિવસ બાદ હાલ આ પાંચેય પ્રાણીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેથી હવે આગામી બે મહિના સુધી આ પાંચેય પ્રાણીઓની હિલચાલ અને એન્ટીબોડીઝનું અવલોકન કરવામાં આવશે. કોરોના રસીનો પ્રથમ ડોઝ આપ્યા બાદ એક પણ પ્રાણીમાં કોઈ આડ અસર જોવા મળી નથી. હાલ પાંચેય પ્રાણીઓ વેટરનરી તબીબોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.