ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજનૈતિક પક્ષો રાજ્યની જનતાને મનાવવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્યનો લલિત વસોયાએ કટાક્ષ કરતા ભાંગરો વટાયા જેવો ઘાટ થયો હતો. તેમણે જાહેર મંચ પરથી સંબોધનમાં ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. જોકે, આ નિવેદનના વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા પણ કરીને કહ્યું કે, મેં કટાક્ષમાં કહ્યુ હતુ. તેમણે એમ પણ કહ્યુ કે, દિલ્હીના ઠગોને મત ન આપવા મેં ગુજરાતની પ્રજાને અપીલ કરી છે.
રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ધોરાજીમાં જાહેર સભામાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાયો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું. લલિત વસોયાએ મંચ પરથી જણાવ્યું હતું કે, જો તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહું છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો.
જોકે, આ નિવેદનથી ભારે વિવાદ સર્જાતા તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, ‘સત્તાવિરોધી મતોનું વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી છે. ભારતીય જનાતા પાર્ટી નક્કી કરે તે ઉમેદવારો લઇને આપ કોંગ્રેસનાં મતો તોડવાનો પ્રયત્ન કરી રહી છે. ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ ગુજરાત અને દેશની જનતાએ જોયું છે. વર્ષોથી જ્યાં કોંગ્રેસનું શાસન હતુ એ તોડવા માટે આપને ઉતારવામાં આવી અને એ પરિણામ ગુજરાતની પ્રજાએ જોયું છે. તેના અનુસંધાને દિલ્હીના ઠગોને મત ન આપવા મેં ગુજરાતની પ્રજાને અપીલ કરી છે.’
રાજકોટના ધોરાજી શહેરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલિત વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરા, પૂર્વ નગરપતિ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ દરમિયાન એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ધારાસભ્ય લલિત વસોયાએ વિવાદિત નિવેદન બોલ્યા હતા. જેમાં સ્પષ્ટતા પણ કરવી પડી હતી.