‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી જાણીતી બનેલી ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મુક્યો છે. એટલે કે હવે કિંજલ દવે તેનું આ જાણીતું ગીત નહીં ગાઇ શકે.
કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ કિંજલ દવે અને બે ફર્મ-આરડીસી મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે ના વેચવાનો આદેશ કર્યો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
20 ડિસેમ્બર 2016થી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ગીત અપલોડ કરતા લોકપ્રિય થઇ ગયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેચ લિમિટેડે દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પચેલ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
આરોપ છે કે, કિંજલ દવેએ સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી હતી. કિંજલ દવેને નોટિસ મોકલી હતી. 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર થઇ ન હતી. કોર્ટે નોંધ્યુ કે, કાર્તિક પટેલે કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર આ ગીત પહેલા અપલોડ કર્યુ હતું.