અમેરિકા પહોંચવાની લાલચમાં કલોલનો વધુ એક પરિવાર તહસનહસ થયો છે. કલોલનો યુવક બ્રિજકુમાર તેની પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે ઘુસવા પ્રયાસ કરતો હતો. ત્રણેય સભ્યો મેક્સિકો-અમેરિકાની સરહદ પર ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટની ઉંચી દિવાલ પરથી કૂદીને અમેરિકા જવા ઈચ્છતા હતા. પરંતુ આ દિવાલ પરથી પરિવાર નીચે પટકાયો હતો. જેમા યુવક બ્રિજકુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે તેની પત્ની અને માસૂમ પુત્રની હાલત ગંભીર છે. થોડા મહિના પહેલા જ આવી જ ઘટના ડિંગુચા ગામના પરિવાર સાથે ઘટી હતી, જેમાં બરફવર્ષામાં સમગ્ર પરિવારનું મોત નીપજ્યું હતું, ત્યારે કલોલના વધુ એક એજન્ટનું કારસ્તાન સામે આવ્યું છે.
એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે
પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ GIDCમાં નોકરી કરતા બ્રિજકુમાર નામના યુવકને પરિવાર સાથે અમેરિકામાં સેટલ થવુ હતું. તેના માટે તે કલોલના એક એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. અમેરિકા પહોંચવા માટે પંદર દિવસ પહેલા બ્રિજકુમાર તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે નીકળ્યો હતો. કેનેડામાં હિમવર્ષા હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પહોંચ્યો હતો.
30 ફૂટ ઉંચી દિવાલ ‘ટ્રમ્પ વોલ’ પરથી પટકાતા મોત
મેક્સિકોથી અમેરિકામાં ઘૂસવા માટે માત્ર 30 ફૂટની ટ્રમ્પ વોલ જ પાર કરવાની હોય છે. અમેરિકા પહોંચવાના હરખ વચ્ચે બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ આ દિવાલ પર ચઢ્યો હતો, પરંતુ અચાનક જ બ્રિજકુમાર પત્ની અને પુત્ર સાથે નીચે પટકાયો હતો અને બ્રિજકુમારનું તો સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
માતા અમેરિકા અને 3 વર્ષનો પુત્ર મેક્સિકોમાં સારવાર હેઠળ
દિવાલ કૂદવા જતા બ્રિજકુમારનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું પરંતુ પત્ની અને પુત્રની હાલત ગંભીર છે જેથી ત્રણ વર્ષના પુત્રને મેક્સિકોમાં તેમજ માતાને અમેરિકાના સેનડીએગો ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કલોલના એજન્ટે 40 લોકોના ગ્રુપને અમેરિકા મોકલ્યું હતું
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલના એજન્ટ 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા મોકલ્યું હતું. ગ્રુપમાંથી વિખૂટા પડવાથી કે અન્ય કોઈ કારણોસર કલોલનો પરિવાર દિવાલ પરથી પટકાયો હતો અને અકસ્માતનો ભોગ બન્યો છે.
ઘૂસણખોરી અને શરણાર્થીઓના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે બનાવી હતી 30 ફુટની દિવાલ
અમેરિકાને અડીને આવેલા મેક્સિકોથી દેશમાં ઘૂસણખોરી અને શરણાર્થીઓની સમસ્યાથી હેરાન અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર 30 ફૂટ ઉંચી દિવાલની ફેન્સિંગ બનાવી છે. આમાંથી હજી પણ લોકો કૂદીને કે પછી ફેન્સિંગ, દિવાલમાં રહેલા છિંડામાંથી અમેરિકામાં ઘૂસે છે.
એજન્ટ પરિવાર દીઢ 60-65 લાખ ચાર્જ કરે છે
એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે પરિવાર દીઢ 60-65 લાખ રુપિયા વસૂલે છે. થોડા સમય પહેલા ડિંગુચાના પરિવારનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બરફવર્ષાના કારણે પરિવારના સભ્યોનું મોત નીપજ્યું હતું.