ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ 11:00થી 12:00 કલાક દરમિયાન વડોદરા શહેરના કુલ 97 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત,ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર પ્રતિબંધ
વડોદરા શહેરમાં 97 પરીક્ષા કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ)માં પરીક્ષા લેવાનાર છે. તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર 29 જાન્યુઆરીના રોજ સવારે 10:00 થી 01:00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં તથા પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં એવું પોલીસ કમિશનર દ્ધારા જાહેરનામામાં જણાવાયું છે આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.