ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ કે, હું ચૂંટણી લડીશ, મારી પાસે કોંગ્રેસ અને આપ બે માર્ગ છે. કાર્યકરો સાથે ચર્ચા કરી નક્કી કરીશ. જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતાં ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં તેઓ કઇ પાર્ટી સાથે જોડાશે.
જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા તેઓ ભાજપ સરકારમાંમોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્યસ્ત છે જોકે તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે.
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યાર બાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે, આજે મોડી રાતે કોંગ્રેસની યાદી જાહેર થઈ અને મોડી રાતે જ તેમના ભાજપને રામ રામના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા.
થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી, ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ વાત માત્ર છ દિવાસમાં જ સાચી ઠરતી હોય તેમ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરી શકે. વ્યાસે આ મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.