અગ્નિપથ યોજનાનો વિરોધ જામનગર સુધી પહોંચ્યો
એસપી કચેરીએ રજૂઆત માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટ્યા
વિદ્યાર્થીઓની ભીડને લઇ એસપી કચેરી છાવણીમાં ફેરવાઈ
કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે. જે યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.ઉલ્લેખનિય છે કે, સેનામાં ભરતીની ‘અગ્નિપથ’ યોજનાના વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. હિંસાની આગ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન પછી તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યોમાં પહોંચી હતી. આ રાજ્યોના 40થી વધુ શહેરોમાં તોફાન થયાં છે. તેમજ રેલવે ટ્રેક અને સડકો જામ કરવામાં આવી હતી
અગ્નિપથ યોજનાના વિરોધમાં એસ.પી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થયા હતા. જેને લઈ જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતા પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મંગાવ્યાં હોવાનું સામે આવ્યું છે.